નર્મદારાજનીતિ

નર્મદા જિલ્લા ભાજપમાં નીલ રાવને જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક

નર્મદા જિલ્લા ભાજપમાં યુવા નેતૃત્વને પ્રતિનિધિત્વ મળ્યું છે. જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે સફળ કામગીરી કરનાર નીલ રાવને હવે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ જાહેરાત ભાજપ કાર્યાલય કમલમ્ નર્મદા ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ, સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને પ્રભારી ધર્મેશ પંડ્યા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. પ્રમુખ પદ માટે કુલ 24 ઉમેદવારોની દાવેદારી હતી, જેમાંથી પ્રદેશ કક્ષાએથી આવેલા બંધ કવરમાં નીલ રાવના નામની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત સાથે જ જિલ્લામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

નીલ રાવે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલના આશીર્વાદ મેળવ્યા હતા. અગાઉ જિલ્લા મહામંત્રી રહી ચૂકેલા નીલ રાવે જણાવ્યું કે, ભાજપ એક પરિવાર છે અને વડીલોના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવશે. તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

પાયાના કાર્યકરોથી લઈને યુવા વર્ગ અને ચૂંટાયેલા સભ્યોએ આ નિમણૂકને આવકારી છે. નીલ રાવની નિમણૂકથી ભાજપના કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. આગામી ચૂંટણીઓમાં ભાજપની સફળતાની આશાઓ વધારી છે.

Related Articles

Back to top button