તાપી

સોનગઢના આછલવા ગામે ડેમ બનાવવા માટે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા ખોટા ખર્ચી સરકારનો પૈસાનો વ્યય કર્યો

સોનગઢના આછલવા ગામે સ્મશાન ભૂમિ પાસેથી વહેતાં એક કોતર પર સરકારી તંત્ર દ્વારા પાણી સંગ્રહનાં ઈરાદા સાથે એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે.આ ચેકડેમ ખોટી જગ્યે બનાવી પાડવામાં આવ્યો હોવાથી તેમાં પાણીનો સંગ્રહ થતો નથી અને તેની પાછળ ખર્ચેલા નાણાં પાણીમાં ગયા છે.

સોનગઢના આમજી રોડ પર આછલવા ગામ આવેલું છે અને તેની સીમમાં થઈ એક કોતર વહે છે.આ કોતરમાં ચોમાસાના સમયમાં ભરપૂર પાણી વહે છે અને તેમાં છેક ડિસેમ્બર સુધી પાણી જોવા મળે છે.આ કોતરમાં વહેતું પાણીનો સદુપયોગ થાય તેવા આશય સાથે તેની પર પાકો ચેકડેમ બનાવવાની કામગીરી ગત 2022 ના વર્ષમાં શરૂ થઈ હતી.જો કે આ ચેકડેમ કોતરમાં જે દિશામાં પાણી વહે છે તેના બદલે સામે પાર બનાવવાનું કામ શરૂ થતાં લોકો એ આ અંગે જે તે સમયે ફરિયાદ કરી હતી.જો કે કામ કરનાર એજન્સી અને લાગતા વળગતા કર્મચારી અને અધિકારીઓના મેળાપીપણામાં એજન્સી દ્વારા પાણી ના વહેણની સામેની દિશામાં ચેકડેમ બનાવી દેવામાં આવ્યો છે.આ ચેકડેમ તદ્દન ખોટી જગ્યે બન્યો હોવાથી તેમાંથી ચેકડેમની સાઈડ થી તમામ પાણી વહી જાય છે અને ડેમ પાણી વિના કોરો ધોકાર પડી રહે છે.

આ ચેકડેમ બનાવતી વખતે એમ કહેવામાં આવ્યું હતું કે આસપાસના ખેતરોમાં સિંચાઈના પાણી મળશે,કુવા અને બોર ના પાણીના સ્તર ઊંચા આવશે અને ઢોર ઢાંકર માટે પીવાનું પાણી સંગ્રહ થશે એ તમામ વાતો અને આશ્વાસન ખોટા સાબિત થયાં છે.આ ચેકડેમ નું મૂળ સ્ટ્રક્ચર થોડું સારું છે પણ એની આસપાસની દીવાલ તૂટી ગઈ છે જો આ ચેકડેમની બંને તરફ યોગ્ય પુરાણ કરાવવામાં આવે અને પાકી દીવાલ બનાવી દેવામાં આવે તો કદાચ આ ચેકડેમ ઉપયોગી સાબિત થાય તેમ છે.જો કે માત્ર નવા નવા ચેકડેમ બનાવવામાં રસ રાખનાર તંત્રના લોકો આ ચેકડેમ રિપેર કરાવશે એવી આશા અસ્થાને છે. આછલવા ગામ ખાતે આવેલ કોતર પર ના ચેકડેમ માટે તાલુકા પંચાયત માંથી 15 માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી રૂ.05 લાખ ફાળવવામાં આવ્યાં હતાં.આ સરકારી નાણાં માંથી ખોટા સ્થળે ચેકડેમ બનાવી દેવામાં આવતા તેમાં પાણીનો સંગ્રહ થતો નથી અને તેની પાછળ ખર્ચ થયેલાં પાંચ લાખ રૂપિયા પાણીમાં ગયાં છે.આ ચેકડેમના કામની તપાસ કરવાની માંગ ગ્રામજનો એ કરી હતી. ત્યારે તંત્ર કેવી કાર્યવાહી કરે તેતો હવે આગામી સમય જ બતાવશે.

Related Articles

Back to top button