તાપી

“અત્યારે જ પાણીના ફાંફા પડી રહ્યા છે તો ઉનાળામાં કેવી દશા થશે?” એક દિવસનું જીવન જીવવા કહે છે; સોનગઢ તાલુકાના ઘોડા પંચાયતના લોકો

નળમાં જળના દાવા દાવા સપનાના સાગર સમાન બની રહ્યા છે

સોનગઢ તાલુકાના ઘોડા તથા આસપાસના ગામોમાં ઉકાઈ થર્મલના અસરગ્રસ્ત લોકો વસવાટ કરે છે. અહીં તાપી નદીમાંથી પાણી લિફ્ટ કરી બોરીસાવર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગામડે ગામડે પાણી માટે જમીન લેવલ પર સંપ બનાવવામાં આવી રહ્યાં છે અને યોજનામાંથી આવા સંપમાં પાણી ઠાલવી પછી ગ્રામજનોને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ ઘોડા ગામમાં બોરીસાવર યોજના અન્વયે જ્યાં સંપ બનાવવામાં આવ્યો છે એવાં પટેલ ફળિયાની મુલાકાત લેતાં સ્થાનિક લોકોએ યોજના બાબતે ફરિયાદનો ઢગલો કરી દીધો હતો.

  • લોકોના જણાવ્યાં પ્રમાણે ગામમાં દરેક ફળિયામાં પીવાના પાણી અંગેની પાઇપ લાઈન નાખવામાંમાં આવી છે અને નળ પણ નાખવામાં આવ્યાં છે પણ તેમાં નિયમિત પાણી આવતું નથી.
  • બોરીસાવર પાણી યોજનાના સંપમાં અઠવાડિયામાં એક કે બે જ વખત પાણી ભરવામાં આવે છે અને આટલું જ પાણી પટેલ ફળિયામાં લોકોને મળે છે જ્યારે વધારાની જરૂરિયાત માટે હેંડપંપ અથવા પાણીના અન્ય સ્ત્રોત પર આધાર રાખવો પડે છે.

ગામમાં પહેલાં વાસ્મો સહિત અન્ય યોજનાઓની પાણી પુરવઠા યોજના અને હવે બોરીસાવર પાણી પુરવઠા યોજનાના સંપની સુવિધા હોવા છતાં પટેલ ફળિયા સહિતના ગામના કેટલાંક વિસ્તારમાં પાણીનો કકળાટ છે. ઉનાળાની શરૂઆત થનાર છે ત્યારે તંત્ર અને પંચાયત દ્વારા પટેલ ફળિયા સહિતના અન્ય વિસ્તારોમાં સંપના માધ્યમથી સપ્તાહ ના સાત દિવસ લોકોને ઘર આંગણે પાણી મળી રહે એવાં પ્રયાસ કરવામાં આવે એ જરૂરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઘોડા ગામના પટેલ ફળિયામાં આવેલો સંપ, ગામમાં બંધ પડેલી પાણીની ટાંકી અને નળ પાસે ઉભા રહી પાણી ની રાહ જોઇ રહેલી ગામની મહિલા.

ગુજરાત સરકારે સોનગઢ જેવાં આદિવાસી વિસ્તારમાં ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડી દીધું હોવાનો દાવો કરવામાં આવે છે.જો કે નલ સે જલ સહિતની યોજનાઓ નામે ગ્રામજનોના ઘર આંગણે માત્ર નળ રૂપી ચકલીઓ જ લટકતી જોવા મળે છે. તાલુકાના ઘણાં ગામડામાં અધૂરી અને બંધ પાણી યોજના ઓ જોવા મળે છે ત્યારે જિલ્લા કલેકટર આવી તકલીફ ભોગવતા ગામનો સર્વે રિપોર્ટ કરાવી, ગ્રામજનો તકલીફ તાત્કાલિક દૂર કરવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપે એવી લોક માંગ છે.

સરપંચ બહેને તો જવાબદારીઓથી જ હાથ ઊંચા કરી લીધાં!

બોરીસાવર જૂથ પાણી યોજનાના સંપ ગામના પટેલ ફળિયામાં આવેલો છે. આ વિસ્તારમાંથી ચૂંટાયેલા સભ્યો યોજનાના સંચાલન માટે સહકાર આપતાં નથી. તાજેતરમાં થયેલી ગામની ગ્રામસભામાં પણ પટેલ ફળિયાના લોકો ઘર દીઠ 50 રૂપિયા આપે એવી રજૂઆત કરેલી, આવા ભેગા કરેલ રૂપિયામાંથી સંપમાં પાણી પહોંચાડવા માટે અને છોડવા માટે એક માણસ રાખવાનું આયોજન છે. સરપંચ તરીકે મારે ગામમાં અધિકારીને મળી યોજના લાવવાનું, પાઇપ લાઈનમાં ભંગાણ રિપેર કરાવવાનું હોય છે. બાકી પાણીના સંપનું સંચાલન કરવા બાબતે મારી કોઈ જવાબદારી બનતી નથી. > જેશનીબહેન, સરપંચ, ઘોડા ગામ તા.સોનગઢ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button